ઈશ્વર પેટલીકરની નવલિકા લોહીની સગાઈ થી તો ગુજરાતી ભાષાનો કોઈ વાચક ભાગ્યે જ અજાણ હશે, ક્યાંક પાઠ્યપુસ્તક માં તો ક્યાંય કોઈ અન્ય જગ્યા એ પણ વાચી હશે બધાએ, જેણે ના વાચી હોઇ એણે છેલ્લે આ વાર્તા વિશે સાંભળ્યું તો હશે જ.
અત્યંત કરૂણ એવી વાર્તા લોહીની સગાઈ એટલે અમરતકાકી નો ગાંડી અને મૂંગી દીકરી મંગુનો પ્રત્યેનો અનન્ય પ્રેમ. હ્રદય પર પત્થર મૂકીને ઈલાજ માટે દીકરી ને દવાખાને મુકવા અમરતકાકી તૈયાર તો થાય છે પરંતુ દીકરીની ચિંતા અને પ્રેમના લીધે અંતે પોતે જ અમરતકાકી માનસિક સંતુલન ગુમાવી બેસે છે.
ખૂબ જ કરૂણ એવી આ વાર્તા વાચી ભાગ્યે જ કોઈ વાચક ની આંખો ભીની થઈ ના હોઈ એવું બને ! લોહીની સગાઇનો અંગ્રેજી સહિત ૧૦ ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.આ નવલિકા સાચે જ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ નવલિકાઓમાંની એક છે.
વાર્તાસંગ્રહની અન્ય વાર્તાઓ પણ ખૂબ રસિક અને લાગણીશીલ છે.પ્રત્યેક વાર્તાના અંતમાં લેખકે ચમત્કૃતિ આણી છે.દરેક વાર્તાની અંતિમ પંક્તિઓ વાચતા જ વાચક ગળગળો થઈ જાય છે.દરેક વાર્તાને વાચવા પછી એ વાર્તાના કેફમાંથી બહાર આવવા વાચકે વિરામ લેવો પડે છે.
મારી પસંદગીની અન્ય વાર્તાઓ આ સંગ્રહમાંથી સ્વર્ગમાં,રોહિણી,હરામનું ખાનાર દેવ,મોટીબહેન,આસોપાલવ અને દ્વન્દ્વયુદ્ધ છે.
અદ્ભુત ટુંકી વાર્તાઓનો સંગ્રહ! મધ્ય ગુજરાતનાં(ચરોતર પ્રદેશ)નાં ગામડાની વાતો આ વાર્તાઓનું પ્લેટફોર્મ છે. અને અજુકતા અંત દરેક વાર્તામાં છેવટ સુધી રસ બનાવી રાખવામાં સફળ નીવડે છે.
એમ તો સામાન્ય રીતે વાર્તાના અંતમાં કંઈક બોધ તારવી શકાય એવું હોય છે. પરંતુ 'લોહીની સગાઈ'ની બધી જ વાર્તાઓમાં વચ્ચે-વચ્ચે આવતી પરિસ્થિતિ કંઈક બોધ આપતી રહે છે.
પ્રસ્તાવનાના અંતમાં લેખક કહે છે, 'દુઃખ એ એસિડની જેમ જીંદગીનાં બારીબારણાં ને ખુણાખાંચા સ્વચ્છ કરીને ચળકતાં કરે છે ને તેમાં માણસ પોતાના વાંકધોખાનાં પૂરાં પ્રતિબિંબ પડતાં જુએ છે.' આ ઊંડી વાત દરેક વાર્તાની પરિસ્થિતિ માંથી મળી આવે છે.